ઈંગ્લેન્ડની વર્લ્ડકપ ખો ખો ટીમમાં ગુજરાતીઓ, ભારતીયોનું વર્ચસ્વ

દિલ્હી ખાતે રમાયેલી ખો ખો વર્લ્ડ કપની વિશ્વભરની ટીમોમાં ગુજરાતીઓ અને ખાસ કરીને ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો હતો.ઇંગ્લેન્ડની ટીમમાં મોટાભાગના ખેલાડી ભારતીય મૂળના હતા જેમાં 5 ખેલાડીઓ શાહ અને 4 ખેલાડીઓ પટેલ અટક ધરાવતા હતા. આજ રીતે મહિલા ટીમમાં 10 ખેલાડીઓ ગુજરાતી મૂળની હતી.

ઓશવાલ સમાજના પસંદ કરાયેલા ખેલાડીઓમાં કુશાલ શાહ, શિવ ગલૈયા, સાજ માલદે, જયાન સોન્ડર્સ, ઇશાન શાહ, સયાન શાહ, રૂહી શાહ, પ્રીના શાહ, અન્યા શાહ અને કેશવી શાહનો સમાવેશ થયો હતો.

જ્યારે અન્ય ખેલાડીઓમાં રુપેશ શાહ, માયા પટેલ, સ્નેહા પટેલ, જૈમિની પટેલ, જાનકી મિસ્ત્રી ઉપરાંત એથર્યા આપ્ટે, અનુશ્રી કાલુસ્કર, માથા મેપા, નવ્યા શંદીલ અને જાસ્મીન પ્રભુ સામેલ થયા હતા.

કેન્યાની પુરુષ ટીમમાં હિરેન પાઠક અને યશ પટેલ નામના 2 ગુજરાતી ખેલાડીઓ જોડાયા હતા. ખાસ વાત એ હતી કે વિદેશમાંથી જે ખેલાડીઓ રમવા ગયા હતા તેમાં મોટાભાગના હિન્દુ સ્વયંસેવક સંઘ અને ઓશવાલ એસોસિએશન સાથે જોડાયેલા હતા. હિન્દુ સ્વયંસેવક સંઘની શાખાઓમાં ખાસ કરીને ખો ખો અને કબડ્ડીને પ્રાધાન્ય આપવામાં આવે છે.
૧૩ થી ૧૯ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન દિલ્હીના આઈજીઆઈ સ્ટેડિયમ ખાતે યોજાયેલ પ્રથમ ખો ખો વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની ટીમમાં ૧૫ પુરુષ અને ૧૫ મહિલા ૩૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને આ રોમાંચક અને ઝડપી રમતમાં વૈશ્વિક મંચ પર પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું.

નવેમ્બર ૨૦૨૪માં યોજાયેલા ટ્રાયલ પછી સમગ્ર યુકેના ખેલાડીઓની સફળતાપૂર્વક પસંદગી કરવામાં આવી હતી. પસંદ કરાયેલા ખેલાડીઓએ વર્ષોથી પોતપોતાના ક્લબમાં અને પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્પર્ધાઓ અને ટુર્નામેન્ટ દરમિયાન રમવાનું શીખ્યા હતા. કોચ કલ્પેન પટેલ, કોચ મનોજ, કોચ વિકી અને કોચ ચરણે ઇંગ્લેન્ડ ટીમને પણ કોચિંગ આપ્યું હતું અને તેઓ પણ ટીમો સાથે ભારત પ્રવાસ કર્યો હતો.

ખો ખો વર્લ્ડ કપ માટે દેશભરના ખેલાડીઓનો સમાવેશ ઇંગ્લેન્ડની ટીમમાં કરાયો હતો અને છેલ્લા 2 મહિનાથી તેઓ તાલીમ લઈ રહ્યા હતા જેમાં ક્રિસમસ દરમિયાન યોજાયેલા 3 દિવસના બુટ કેમ્પનો પણ સમાવેશ થાય છે.

ખો ખો વર્લ્ડ કપનું પ્રસારણ – હાઇ લાઇટ્સ ડિઝની હોટસ્ટાર, સ્ટાર સ્પોર્ટ્સ અને દૂરદર્શન ચેનલો પર કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ખો ખો રમત સિત્તેરના દાયકાથી ઇંગ્લેન્ડમાં વિવિધ ભારતીય સમુદાય જૂથો અને સંગઠનો દ્વારા રમવામાં આવે છે. ખો ખો ફેડરેશન ઓફ ઇંગ્લેન્ડની સ્થાપના 2013 માં બ્રિજ હલ્દાનિયા દ્વારા કરાઇ હતી અને હજૂ તેના અધ્યક્ષ તરીકે સેવા આપે છે. ફેડરેશન યુકેમાં રમતને લોકપ્રિય બનાવવા માટે અથાક મહેનત કરી રહ્યું છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15

Comments on “ઈંગ્લેન્ડની વર્લ્ડકપ ખો ખો ટીમમાં ગુજરાતીઓ, ભારતીયોનું વર્ચસ્વ”

Leave a Reply

Gravatar